भागवद गीता

ભગવદ્ ગીતા અધ્યાય 4: જ્ઞાન કર્મ સંન્યાસ યોગ

Tilak Kathayein16 Jan 2025191 views
Chapter 4 : Gnana Karma Sanyasa Yoga – अध्याय ४: ज्ञानकर्मसंन्यासयोग
ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય "જ્ઞાન કર્મ સંન્યાસ યોગ" છે. આમાં, શ્રી કૃષ્ણ આત્મજ્ઞાન, નિષ્કામ કર્મ અને દૈવી જ્ઞાન દ્વારા ફરજોના નિર્વાહને સમજાવે છે. શ્રી ભગવાને કહ્યું:...

ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય “જ્ઞાન કર્મ સંન્યાસ યોગ” છે. આમાં શ્રી કૃષ્ણએ આત્મજ્ઞાન, નિષ્કામ કર્મ અને દિવ્ય જ્ઞાનના માધ્યમથી કર્તવ્યોના નિર્વહને સમજાવ્યો છે.

શ્રીભગવાનુવાચ: ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ । વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેऽબ્રવીત્ ।।

શ્રીભગવાન બોલ્યા- મેં આ અવિનાશી યોગને સૂર્યને કહ્યો હતો; સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યો ॥ ૧ ॥

એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ । સ કાલેનેહ મહતા યોગો નષ્ટઃ પરન્તપ ।

હે પરંતપ અર્જુન ! આ પ્રકારે પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો; કિંતુ તેના પછી તે યોગ ઘણા કાળથી આ પૃથ્વીલોકમાં લુપ્તપ્રાય થઈ ગયો ॥ ૨ ॥

સ એવાયં મયા તેऽદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ । ભક્તોऽસિ મે સખા ચેતિ રહસ્યં હ્યેતદુત્તમમ્ ।।

તું મારો ભક્ત અને પ્રિય સખા છે, એટલા માટે તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે; કારણ કે આ મોટું જ ઉત્તમ રહસ્ય છે અર્થાત્ ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે ॥ ૩ ॥

અર્જુન ઉવાચ: અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વતઃ । કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ ।।

અર્જુન બોલ્યા-આપનો જન્મ તો અર્વાચીન- હમણાં હાલનો છે અને સૂર્યનો જન્મ ઘણો જૂનો છે અર્થાત્ કલ્પના આદિમાં થઈ ચૂક્યો હતો. ત્યારે હું આ વાતને કેવી રીતે સમજું કે આપે જ કલ્પના આદિમાં સૂર્યને આ યોગ કહ્યો હતો ? ॥ ૪ ॥

શ્રીભગવાનુવાચ: બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન । તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરન્તપ ।।

શ્રીભગવાન બોલ્યા- હે પરંતપ અર્જુન ! મારા અને તારા ઘણાં જન્મો થઈ ચૂક્યા છે. તે બધાને તું નથી જાણતો, કિંતુ હું જાણું છું ॥ ૫ ॥

અજોऽપિ સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોऽપિ સન્। પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સમ્ભવામ્યાત્મમાયયા ।।

હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તથા સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પણ પોતાની પ્રકૃતિને અધીન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું ॥ ૬ ॥

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત । અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥

હે ભારત ! જ્યારે-જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે-ત્યારે જ હું પોતાના રૂપને રચું છું અર્થાત્ સાકારરૂપથી લોકોની સમક્ષ પ્રગટ થાઉં છું ॥ ૭ ॥

પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્। ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ।।

સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપકર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગ-યુગમાં પ્રગટ થયો કરું છું ॥ ૮ ॥

જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ । ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોऽર્જુન ।।

હે અર્જુન ! મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત્ નિર્મળ અને અલૌકિક છે- આ પ્રકારે જે મનુષ્ય તત્ત્વથી * જાણી લે છે, તે શરીરને ત્યાગીને ફરી જન્મને પ્રાપ્ત નથી થતો, કિંતુ મને જ પ્રાપ્ત થાય છે ॥ ૯ ॥

વીતરાગભયક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ । બહવો જ્ઞાનતપસા પૂતા મદ્ભાવમાગતાઃ ॥

પહેલાં પણ, જેના રાગ, ભય અને ક્રોધ સર્વથા નષ્ટ થઈ ગયા હતા અને જે મારામાં અનન્યપ્રેમપૂર્વક સ્થિત રહેતા હતા, એવા મારા આશ્રિત રહેવાવાળા ઘણાં ભક્તો ઉપર્યુક્ત જ્ઞાનરૂપ તપથી પવિત્ર થઈને મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યા છે ॥ ૧૦ ॥

યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્ । મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ॥

હે અર્જુન ! જે ભક્ત મને જે પ્રકારે ભજે છે, હું પણ તેમને તે જ પ્રકારે ભજું છું; કારણ કે બધા મનુષ્ય બધા પ્રકારથી મારા જ માર્ગનું અનુસરણ કરે છે ॥ ૧૧ ॥

કાઙ્ક્ષન્તઃ કર્મણાં સિદ્ધિ યજન્ત ઇહ દેવતાઃ । ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા ।।

આ મનુષ્યલોકમાં કર્મોના ફળને ચાહવાવાળા લોકો દેવતાઓનું પૂજન કર્યા કરે છે; કારણ કે તેમને કર્મોથી ઉત્પન્ન થવાવાળી સિદ્ધિ જલ્દી મળી જાય છે ॥ ૧૨ ॥

ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશઃ । તસ્ય કર્તારમપિ માં વિદ્ધ્યકર્તારમવ્યયમ્ ॥

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર- આ ચાર વર્ણોનો સમૂહ, ગુણ અને કર્મોના વિભાગપૂર્વક મારા દ્વારા રચવામાં આવ્યો છે. આ પ્રકારે તે સૃષ્ટિ-રચનાદિ કર્મનો કર્તા હોવા પર પણ મને અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ ॥ ૧૩ ॥

ન માં કર્માણિ લિમ્પન્તિ ન મે કર્મફલે સ્પૃહા। ઇતિ માં યોऽભિજાનાતિ કર્મભિર્ન સ બધ્યતે ।।

કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, એટલા માટે મને કર્મ લિપ્ત નથી કરતા- આ પ્રકારે જે મને તત્ત્વથી જાણી લે છે, તે પણ કર્મોથી નથી બંધાતો ॥ ૧૪ ॥

એવં જ્ઞાત્વા કૃતં કર્મ પૂર્વેરપિ મુમુક્ષુભિઃ । કુરુ કર્મૈવ તસ્માત્ત્વં પૂર્વૈઃ પૂર્વતરં કૃતમ્ ।।

પૂર્વકાળમાં મુમુક્ષુઓએ પણ આ પ્રકારે જાણીને જ કર્મ કર્યા છે. એટલા માટે તું પણ પૂર્વજો દ્વારા સદાથી કરવામાં આવનારા કર્મોને જ કર ॥ ૧૫ ॥

કિં કર્મ કિમકર્મેતિ કવયોऽપ્યત્ર મોહિતાઃ । તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેऽશુભાત્ ।।

કર્મ શું છે? અને અકર્મ શું છે?- આ પ્રકારે આનો નિર્ણય કરવામાં બુદ્ધિમાન પુરુષ પણ મોહિત થઈ જાય છે. એટલા માટે તે કર્મતત્ત્વ હું તને સારી રીતે સમજાવીને કહીશ, જેને જાણીને તું અશુભથી અર્થાત્ કર્મબંધનથી મુક્ત થઈ જઈશ ॥ ૧૬ ॥

કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ । અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ ।।

કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તથા વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ; કારણ કે કર્મની ગતિ ગહન છે ॥ ૧૭ ॥

કર્મણ્યકર્મ યઃ પશ્યેદકર્મણિ ચ કર્મ યઃ । સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્ ॥

જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે, તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને તે યોગી સમસ્ત કર્મોને કરવાવાળો છે ॥ ૧૮ ॥

યસ્ય સર્વે સમારમ્ભાઃ કામસઙ્કલ્પવર્જિતાઃ । જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં તમાહુઃ પણ્ડિતં બુધાઃ ॥

જેના સંપૂર્ણ શાસ્ત્રસંમત કર્મ વિના કામના અને સંકલ્પના હોય છે તથા જેના સમસ્ત કર્મ જ્ઞાનરૂપ અગ્નિના દ્વારા ભસ્મ થઈ ગયા છે, તે મહાપુરુષને જ્ઞાનીજન પણ પંડિત કહે છે ॥ ૧૯ ॥

ત્યક્ત્વા કર્મફલાસઙ્ગં નિત્યતૃપ્તો નિરાશ્રયઃ । કર્મણ્યભિપ્રવૃત્તોऽપિ નૈવ કિઞ્ચિત્કરોતિ સઃ ॥

જે પુરુષ સમસ્ત કર્મોમાં અને તેમના ફળમાં આસક્તિનો સર્વથા ત્યાગ કરીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે અને પરમાત્મામાં નિત્ય તૃપ્ત છે, તે કર્મોમાં સારી રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ પણ નથી કરતો ॥ ૨૦ ॥

નિરાશીર્યતચિત્તાત્મા ત્યક્તસર્વપરિગ્રહઃ । શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ।।

જેનું અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત શરીર જીતેલું છે અને જેણે સમસ્ત ભોગોની સામગ્રીનો પરિત્યાગ કરી દીધો છે, એવો આશારહિત પુરુષ કેવળ શરીર-સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપોને નથી પ્રાપ્ત થતો ॥ ૨૧ ॥

યદૃચ્છાલાભસંતુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સરઃ । સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે ।।

જે વિના ઇચ્છાએ પોતાના-આપ પ્રાપ્ત થયેલા પદાર્થમાં સદા સંતુષ્ટ રહે છે, જેમાં ઈર્ષ્યાનો સર્વથા અભાવ થઈ ગયો છે, જે હર્ષ-શોક આદિ દ્વંદ્વોથી સર્વથા અતીત થઈ ગયો છે- એવો સિદ્ધિ અને અસિદ્ધિમાં સમ રહેવાવાળો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેમનાથી નથી બંધાતો ॥ ૨૨ ॥

ગતસઙ્ગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે ।।

જેની આસક્તિ સર્વથા નષ્ટ થઈ ગઈ છે, જે દેહાભિમાન અને મમતાથી રહિત થઈ ગયો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે- એવો કેવળ યજ્ઞસંપાદન માટે કર્મ કરવાવાળા મનુષ્યના સંપૂર્ણ કર્મ સારી રીતે વિલીન થઈ જાય છે ॥ ૨૩ ॥

બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્ । બ્રહૌવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મસમાધિના ।।

જે યજ્ઞમાં અર્પણ અર્થાત્ ખુવા આદિ પણ બ્રહ્મ છે અને હવન કરવા યોગ્ય દ્રવ્ય પણ બ્રહ્મ છે તથા બ્રહ્મરૂપ કર્તાના દ્વારા બ્રહ્મરૂપ અગ્નિમાં આહુતિ દેનારરૂપ ક્રિયા પણ બ્રહ્મ છે- તે બ્રહ્મકર્મમાં સ્થિત રહેવાવાળા યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ જ છે ॥ ૨૪ ॥

દૈવમેવાપરે યજ્ઞં યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માગ્નાવપરે યજ્ઞં યજ્ઞેનૈવોપજુહ્વતિ ।।

બીજા યોગીજન દેવતાઓના પૂજનરૂપ યજ્ઞનું જ સારી રીતે અનુષ્ઠાન કર્યા કરે છે અને અન્ય યોગીજન પરબ્રહ્મ પરમાત્મારૂપ અગ્નિમાં અભેદદર્શનરૂપ યજ્ઞના દ્વારા જ આત્મરૂપ યજ્ઞનું હવન કર્યા કરે છે* ॥ ૨૫ ॥

શ્રોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ । શબ્દાદીન્વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ ।।

અન્ય યોગીજન શ્રોત્ર આદિ સમસ્ત ઇન્દ્રિયોને સંયમરૂપ અગ્નિઓમાં હવન કર્યા કરે છે અને બીજા યોગીલોકો શબ્દાદિ સમસ્ત વિષયોને ઇન્દ્રિયરૂપ અગ્નિઓમાં હવન કર્યા કરે છે ॥ ૨૬ ॥

સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે। આત્મસંયમયોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાનદીપિતે ।।

બીજા યોગીજન ઇન્દ્રિયોની સંપૂર્ણ ક્રિયાઓને અને પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાનથી પ્રકાશિત આત્મસંયમયોગરૂપ અગ્નિમાં હવન કર્યા કરે છે* ॥ ૨૭ ॥

દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથાપરે । સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતાઃ ।।

કેટલાંક પુરુષ દ્રવ્યસંબંધી યજ્ઞ કરવાવાળા છે, કેટલાંક તપસ્યારૂપ યજ્ઞ કરવાવાળા છે તથા બીજા કેટલાંક યોગરૂપ યજ્ઞ કરવાવાળા છે, કેટલાંક અહિંસાદિ તીક્ષ્ણ વ્રતોથી યુક્ત યત્નશીલ પુરુષ સ્વાધ્યાયરૂપ જ્ઞાનયજ્ઞ કરવાવાળા છે ॥ ૨૮ ॥

અપાને જુહ્વતિ પ્રાણં પ્રાણેऽપાનં તથાપરે । પ્રાણાપાનગતી રુદ્ધ્વા પ્રાણાયામપરાયણાઃ ॥
અપરે નિયતાહારાઃ પ્રાણાન્પ્રાણેષુ જુહ્વતિ । સર્વેऽપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષાઃ ।।

બીજા કેટલાંક યોગીજન અપાનવાયુમાં પ્રાણવાયુને હવન કરે છે, તે જ રીતે અન્ય યોગીજન પ્રાણવાયુમાં અપાનવાયુને હવન કરે છે તથા અન્ય કેટલાંક નિયમિત આહાર * કરવાવાળા પ્રાણાયામપરાયણ પુરુષ પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હવન કર્યા કરે છે. આ બધા સાધક યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરી દેવાવાળા અને યજ્ઞોને જાણવાવાળા છે ॥ ૨૯-૩૦ ॥

યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ્ । નાયં લોકોऽસ્ત્યયજ્ઞસ્ય કુતોऽન્યઃ કુરુસત્તમ ।।

હે કુરુશ્રેષ્ઠ અર્જુન ! યજ્ઞથી બચેલા અમૃતનો અનુભવ કરવાવાળા યોગીજન સનાતન પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે. અને યજ્ઞ ન કરવાવાળા પુરુષ માટે તો આ મનુષ્યલોક પણ સુખદાયક નથી, પછી પરલોક કેવી રીતે સુખદાયક હોઈ શકે છે ? ॥ ૩૧ ॥

એવં બહુবিধা યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે । કર્મજાનિવિદ્ધિ તાન્સર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ।।

આ જ પ્રકારે અને પણ ઘણા પ્રકારના યજ્ઞ વેદની વાણીમાં વિસ્તારથી કહેવામાં આવ્યા છે. તે બધાને તું મન, ઇન્દ્રિય અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થવાવાળા જાણ, આ પ્રકારે તત્ત્વથી જાણીને તેમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી સર્વથા મુક્ત થઈ જઈશ ॥ ૩૨ ॥

શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાઞ્જ્ઞાનયજ્ઞઃ પરન્તપ। સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ।।

હે પરંતપ અર્જુન ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષા જ્ઞાનયજ્ઞ અત્યંત શ્રેષ્ઠ છે, તથા યાવન્માત્ર સંપૂર્ણ કર્મ જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે ॥ ૩૩ ॥

તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા। ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ ।।

તે જ્ઞાનને તું તત્ત્વદર્શી જ્ઞાનીઓની પાસે જઈને સમજ, તેમને સારી રીતે દંડવત્-પ્રણામ કરવાથી, તેમની સેવા કરવાથી અને કપટ છોડીને સરળતાપૂર્વક પ્રશ્ન કરવાથી તે પરમાત્મતત્ત્વને સારી રીતે જાણવાવાળા જ્ઞાની મહાત્મા તને તે તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કરશે ॥ ૩૪ ॥

યજ્જ્ઞાત્વા ન પુનર્મોહમેવં યાસ્યસિ પાણ્ડવ। યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયિ ॥

જેને જાણીને ફરી તું આ પ્રકારે મોહને નહીં પ્રાપ્ત થઈશ તથા હે અર્જુન ! જે જ્ઞાનના દ્વારા તું સંપૂર્ણ ભૂતોને નિઃશેષભાવથી પહેલાં પોતાનામાં અને પછી મને સચ્ચિદાનંદઘન પરમાત્મામાં જોશે ॥ ૩૫ ॥

અપિ ચેદસિ પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ । સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સન્તરિષ્યસિ ।।

જો તું અન્ય બધા પાપીઓથી પણ અધિક પાપ કરવાવાળો છે; તો પણ તું જ્ઞાનરૂપ નૌકા દ્વારા નિઃસંદેહ સંપૂર્ણ પાપ-સમુદ્રથી સારી રીતે તરી જઈશ ॥ ૩૬ ॥

યથૈધાંસિ સમિદ્ધોऽગ્નિર્ભસ્મસાત્કુરુતે ऽર્જુન । જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્કુરુતે તથા ।।

કારણ કે હે અર્જુન ! જેમ પ્રજ્વલિત અગ્નિ ઈંધણોને ભસ્મમય કરી દે છે, તેમ જ જ્ઞાનરૂપ અગ્નિ સંપૂર્ણ કર્મોને ભસ્મમય કરી દે છે ॥ ૩૭ ॥

ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે । તત્સ્વયં યોગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિન્દતિ ।।

આ સંસારમાં જ્ઞાનના સમાન પવિત્ર કરવાવાળું નિઃસંદેહ કંઈ પણ નથી. તે જ્ઞાનને કેટલાંક કાળથી કર્મયોગના દ્વારા શુદ્ધ અંતઃકરણ થયેલો મનુષ્ય પોતાના-આપ જ આત્મામાં પામી લે છે ॥ ૩૮ ॥

શ્રદ્ધાवाँલ્લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ । જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાદિગચ્છતિ ।।

જિતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પ્રાપ્ત થાય છે તથા જ્ઞાનને પ્રાપ્ત થઈને તે વિના વિલંબે- તત્કાળ જ ભગવત્પ્રાપ્તિરૂપ પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે ॥ ૩૯ ॥

અજ્ઞશ્ચાશ્રદ્ધદધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ । નાયં લોકોऽસ્તિ ન પરો ન સુખં સંશયાત્મનઃ ।।

વિવેકહીન અને શ્રદ્ધારહિત સંશયયુક્ત મનુષ્ય પરમાર્થથી અવશ્ય ભ્રષ્ટ થઈ જાય છે. એવા સંશયયુક્ત મનુષ્ય માટે ન આ લોક છે, ન પરલોક છે અને ન સુખ જ છે ॥ ૪૦ ॥

યોગસન્યસ્તકર્માણં જ્ઞાનસઞ્છિન્નસંશયમ્ । આત્મવન્તં ન કર્માણિ નિબધ્નન્તિ ધનઞ્જય ।।

હે ધનંજય ! જેણે કર્મયોગની વિધિથી સમસ્ત કર્મોનું પરમાત્મામાં અર્પણ કરી દીધું છે અને જેણે વિવેક દ્વારા સમસ્ત સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશમાં કરેલા અંતઃકરણવાળા પુરુષને કર્મ નથી બાંધતા ॥ ૪૧ ॥

તસ્માદજ્ઞાનસમ્ભૂતં હૃત્સ્થં જ્ઞાનાસિનાત્મનઃ । છિત્ત્વૈનં સંશયં યોગમાતિષ્ઠોત્તિષ્ઠ ભારત ।।

એટલા માટે હે ભરતવંશી અર્જુન ! તું હૃદયમાં સ્થિત આ અજ્ઞાનજનિત પોતાના સંશયનું વિવેકજ્ઞાનરૂપ તલવાર દ્વારા છેદન કરીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા ॥ ૪૨ ॥

ॐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે જ્ઞાનકર્મસન્યાસયોગો

🕉

આજનું પંચાંગ 8 સપ્ટેમ્બર 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग
ભગવદ ગીતા

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग

અર્જુને કહ્યું: હે કૃષ્ણ! જે મનુષ્યો શાસ્ત્રોની વિધિ છોડીને શ્રદ્ધાથી દેવતાઓનું પૂજન કરે છે, તેમની નિષ્ઠા કેવી હોય છે? શું તે સત્વ, રજસ કે તમસ છે?

20 Feb 2025221
Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
ભગવદ ગીતા

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग

શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

18 Feb 2025186
Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
ભગવદ ગીતા

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग

શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

16 Feb 2025193
Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग
ભગવદ ગીતા

Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર અર્જુન! આ શરીરને 'ક્ષેત્ર' કહેવામાં આવે છે, અને જે તેને જાણે છે તેને જ્ઞાની લોકો 'ક્ષેત્રજ્ઞ' કહે છે.

12 Feb 2025200